અટલ સત્યની સમીપ પહોંચેલા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના ચિંતન દ્વારા સત્યનો પ્રભાવ જાણવાનો પ્રયત્ન કરીએ.
રાજા હરિશ્ચંદ્ર રાજય દરબાર ભરીને બેઠા છે એવામાં એક વિચિત્ર પ્રસંગ બન્યો. એક જ બાળક માટે બે અલગ-અલગ માતાઓ દ્વારા રોતા-કકળતા દાવો માંડવામાં આવ્યો. એક કહે, આ મારું બાળક છે, જયારે બીજી માતા મગરનાં આસું સાથે વધુ તીવ્ર વેગથી નાટક કરીને કહે છે ‘આ તો મારું બાળક છે, હું જ તેની સાચી જનેતા છું. હે સત્યવાદી રાજા ન્યાય કરો.’
રાજા હરિશ્ચંદ્રના મનમાં જબરજસ્ત વૈચારિક મનોમંથન શરૂ થયું. પરંતુ કોઇ રસ્તો ન મળતા આવતી કાલે ન્યાય મળશે તેમ કહીને સભા બરખાસ્ત કરી. બીજા દિવસે રાજા હરિશ્ચંદ્ર આદેશ કરે છે કે, ‘બાળકના બે ટુકડા કરવામાં આવે અને બંને માતાને એક એક ભાગ આપવામાં આવે.’
આવો કઠોર નિર્ણય સાંભળીને શૂન્યાવકાશ જેવી સ્તબ્ધતા સમગ્ર સભામંડપમાં છવાઇ ગઇ. હવે ખરેખર જેની જનેતા હતી તેણે વિચાર્યું કે ભલે આ મારું બાળક રહ્યું પણ તેના ટુકડા તો ન જ થવા જોઇએ, તે જીવિત હશે તો તેને કયારેક જોઇને પણ હું મારી જીવનયાત્રા પૂરી કરી લઇશ. સાચી જનેતાએ કહ્યું કે, સત્યવાદી રાજા! આ બાળક મારું નથી મને દંડ કરો.’
એ જ ક્ષણે રાજા હરિશ્ચંદ્રે નિર્ણય સંભળાવ્યો ‘જગતની કોઇ માતા પોતાના બાળકના બે ટુકડા થવા નહીં દે અને જે જનેતા સાચી હોવા છતાં બાળક ઉપરનો પોતાનો હક્ક જતો કરે છે તેને બાળક સોંપવામાં આવે, અને બીજી સ્ત્રીને કઠોર દંડ આપવામાં આવે.
આ પ્રકારનું ફરમાન સાંભળતાં જ જુઠ્ઠી સ્ત્રી થરથર ધ્રૂજવા માંડી અને પોતે ઘણાં વર્ષોથી નિ:સંતાન હોવાને લીધે આ પ્રકારનું કત્ય આચર્યાની વિતક કથા કહી સંભળાવી. જોકે રાજા હરિશ્ચંદ્રે તેને પણ માફ કરી દીધી.
પણ કહેવાનું તાત્પર્ય એ કે સત્યના પ્રભાવના કારણે જે અદભૂત નિર્ણય કર્યો તે કોઇ પણ પૃથ્વીપતિ સમ્રાટ ન કરી શકે. કયાંથી આવ્યું આ સામર્થ્ય? કયાંથી આવી સત્ય બહાર લાવવાની ક્ષમતા? મહર્ષિમાંથી બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કરવા માટે વિશ્વામિત્રજીએ અનેક અગ્નિપરીક્ષાઓ રાજા હરિશ્ચંદ્રની લીધી.
આ પ્રકારની અગ્નિપરીક્ષામાં રાજપાટ છોડવું, ભૂખ તરસથી ભટકતું જીવન જીવવું, એ દરમિયાન પરાકાષ્ઠા તો ત્યાં આવે છે જયારે હરિશ્ચંદ્ર સ્મશાનની ચોકી કરતા હતા તે દરમિયાન તેમની ધર્મપત્ની પોતાના પુત્રના શબને બાળવા લાકડાની માગણી કરતાં, સત્યવાદી હરિશ્ચંદ્રે પોતાની પત્ની પાસે લાકડાની કિંમત માગી.
પત્ની પાસે ફૂટી કોડી પણ ન હોવાથી તેણે પોતાના પતિને ખૂબ જ આજીજી કરી પરંતુ હરિશ્ચંદ્ર સત્યવાદી હતા, તેથી પોતાની પત્નીને કહ્યું કે, લાકડાની કિંમત પેટે તારી પાસે જે વસ્ત્ર (સાડી) છે તે આપી દે.
પત્ની તારામતી પોતાનું વસ્ત્ર આપવા તૈયાર થતાં ભગવાન વિષ્ણુ સ્વયં પ્રગટ થાય છે. ચત્રભુજ શંખ-ચક્રધારી નારાયણ પુન: રાજાને તેમણે ગુમાવેલ સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરી પ્રસન્ન ચિત્તથી આશીર્વાદની અમૃતવર્ષા વહેવડાવે છે.
આ દરમિયાન મહર્ષિ વિશ્વામિત્રજીનો અહંકાર ઓગળતા બ્રહ્મર્ષિ વશિષ્ઠજી તેમને ‘પધારો બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર’નું સંબોધન કરે છે. ‘સત્ય અદ્રશ્ય શકિત’ છે. આ દ્રઢ માન્યતાને કારણે રાજા હરિશ્ચંદ્રે પોતાનું નામ ચિરંજીવ કરી દીધું.
Rate this article Votes : 6 Views : 813 Rating : 5.00
12345
No comments:
Post a Comment