Wednesday, March 11, 2009

માફી આપવી અને માફી માંગવી, એ છે શ્રેષ્ઠ ગુણ

“ક્ષમા વીરસ્ય ભૂષણમ્”

ક્ષમા એ તો વીરોનું આભૂષણ છે. જે કોઈ વ્યક્તિ ક્ષમા ચાહે છે, જે પોતે માફી માંગે છે અને સામેની વ્યક્તિને માફી આપી દે છે તે વ્યક્તિમાં આને સર્વશ્રેષ્ઠ ગુણ કહી શકાય ! માફી માંગવી અને માફી આપવી એ તો વીરોનું કામ છે. કેટલી વ્યક્તિએ પોતાના વાસ્તવિક જીવનમાં માફી માંગે છે અને બીજાને માફી આપી છે ? વાસ્તવિક જીવનમાં ઘણી વખત આવું બનતું હોતું નથી. બાહ્ય દેખાવ કરવા પૂરતું જ આવું વર્તન હોય તો તે કેટલે અંશે યોગ્ય લેખાશે ?

માફી માંગવી એ આમ જોવા જઈએ તો કંઈ અઘરું કામ નથી. પોતાના જીવનવ્યવહારની અંદર દરેક વ્યક્તિ ઘણી બધી વ્યક્તિઓથી સંકળાયેલી હોય છે. તેમાં ઘણી વખત બધાને એકસરખી રીતે સાચવી શકતી નથી. તેના મૂળમાં જોવા જઈએ તો ઘણા બધા ઝઘડાઓમાં, તકરારોમાં, સમસ્યાઓમાં, મનભેદોમાં જે તે વ્યક્તિ પાસે પોતાનાથી જો કોઈ નાની એવી ભૂલ થઈ ગઈ હોય તે જાણતા હોવા છતાં પણ તે પોતાના છૂપા અહંમભાવને લીધે, ઘમંડને લીધે તેની સમક્ષ માફી માંગી શકતી નથી. ખરેખર આપણે જો પોતાના જીવનવ્યવહારની અંદર નજર કરીશું તો ખ્યાલ આવશે કે આમાં કેટલી સત્યતા છુપાયેલી છે. જો એક વખત આપણાથી નાની ઉંમરની વ્યક્તિની પણ માફી માંગવાનો સમય આવે તો વિનાસંકોચે, બહુ જ સરળતાથી, આસાનીથી કોઈ પણ જાતના ભેદભાવ વગર તરત જ માફી માંગી લેવી જોઈએ. જેનાથી બગડતા આંતરિક સંબંધો તરત જ સુધરી જાય છે. સંબંધોમાં તિરાડો પડતી નથી. કોઈ નાના એવા પણ મતભેદો જેવું બનતું નથી.

માફી આપવી એ પણ એક મહાનતા છે. જે વ્યક્તિ પોતે માફી માંગે છે તે વખત આવે ત્યારે અમુક સમય- સંજોગો અને વિપરીત પરિસ્થિતિએ સામેની વ્યક્તિથી કોઈ નાની એવી ભૂલ થઈ જાય તો માફી આપી શકતી નથી. એક જાતનો છૂપો વેરભાવ-ઈર્ષ્યાવૃત્તિ-અદેખાઈ અને બીજા ઘણાંબધાં કારણોથી તે સામેની વ્યક્તિને બહુ જલદીથી, આસાનીથી માફી આપી શકતી નથી.

જ્યારે પણ પોતાના જીવનમાં કોઈ એવી ઘટના બને કે જ્યાં સામેની વ્યક્તિ આપણી પોતાની અપેક્ષાથી વિરુદ્ધ ચાલે, આપણું કહ્યું માને નહીં, તેનાથી કોઈ ભૂલ થઈ જાય જેના લીધે આપણા પોતાના માન- સમ્માનને ભારે ઠેસ પહોંચે, હાનિ પહોંચે, આપણી પોતાની અંગત લાગણી દુભાય ત્યારે આપણને બહુ દુઃખની લાગણી થાય છે કે ખરેખર આવી વ્યક્તિને જીવનમાં કદી પણ માફ કરવી જોઈએ નહીં. પરંતુ અહીંયા જ અટકી જવાની, જરા વિચારવાની જરૃર પડે છે.

શું આ રીતનું આપણું વર્તન યોગ્ય છે? શું સામેની વ્યક્તિને થોડા ગુનાની મોટી સજા આપીને, તેને માફ નહીં કરીને ક્યાંક આપણે તેની સાથે અન્યાય તો કરી રહ્યા નથી ને ? જો એક સમયે આપણે માફી માંગતા સંકોચ રાખતા નથી તો પછી સામેની વ્યક્તિને માફી આપી દેતા પણ શું કામ સંકોચ રાખવો ?

No comments:

Post a Comment