વ્યવસાયે શિક્ષક એવા શ્રીચંદને વૈરાગ્ય લાગ્યો. તેમણે હિમાલય જવા નિશ્ચય કર્યો. તેમની પત્નીએ પણ સાથે જવા જીદ કરી. શ્રીચંદે કહ્યું, તારે પણ સંન્યાસી જીવન જીવવું હોય તો સાથે આવ, પરંતુ એક વાત ઘ્યાન રાખજે કે સાથે કશું લઈને આવીશ નહીં. પત્ની સંમત થઈ. બન્ને નીકળી પડયાં. ખૂબ ચાલ્યા પછી થાકયાં ત્યારે પથ્થર પર બેસીને ઘ્યાન કરવા લાગ્યા. ત્યાંથી થોડે દૂર લોકો કામ કરી રહ્યા હતા.
ભોજનનું ટાણું થયું ત્યારે તેઓ વાતચીત કરવા લાગ્યા કે તેમને પણ ભૂખ લાગી હશે. ચાલો, જઈને પૂછીએ કે તેઓ આપણી સાથે જમશે? એક વ્યકિતએ તેમને જઈને પૂછ્યું ત્યારે શ્રીચંદે સામો સવાલ કર્યો, ભોજન કોણ કરાવશે? પેલી વ્યકિતએ કહ્યું, હું કરાવીશ.
શ્રીચંદે વિચાર કરીને નક્કી કર્યું કે ‘હું હું’ કરનાર વ્યકિતનું ખાવું નથી. તેમણે ના પાડી દીધી. ત્યાર પછી ઘણો સમય વીતી ગયો. જમવાનું લઈને કોઈ ન આવ્યું. ત્યારે શ્રીચંદે પત્નીને કહ્યું, તપાસ કરો કે આપણી પાસે શું રહી ગયું છે? શ્રીચંદે જોયું કે તેની પત્નીએ સાથે સોનાની વીંટી રાખી હતી. તેણે વિચારેલું કે જયારે ભૂખે મરવાનો દિવસ આવે ત્યારે ઉપયોગમાં આવશે.
શ્રીચંદે આ જોઈને કહ્યું કે હવે હું સમજી ગયો કે તને ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા નહોતી એટલે પરમાત્માએ અત્યાર સુધી આપણા સુધી ભોજન પહોંચાડયું નથી. શ્રીચંદે વીંટી નદીમાં ફેંકાવી દીધી અને ફરી ઘ્યાનમાં બેસી ગયા.
થોડી વાર પછી એક ભકતે આવીને ભોજન માટે આગ્રહ કર્યો. શ્રીચંદે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો, ભોજન કોણ કરાવશે? તેણે ઉત્તર દીધો, જે પ્રભુએ પ્રેરણા આપી એ જ કરાવશે. શ્રીચંદ જવાબ સાંભળી રાજી થયા અને તેના ધેર જઈને જમ્યા.
No comments:
Post a Comment