Wednesday, March 11, 2009

સસ્તી યુકિતથી જીવન બદલાતું નથી

આજ સુધી કામ અને રામને એકબીજાના દુશ્મન માનવામાં આવ્યા છે. સેકસ અને સમાધિને દુશ્મનની આંખે જોવામાં આવ્યાં છે.

અત્યાર સુધી એવું મનાતું રહ્યું છે કે રામની શોધમાં છે તેને કામ સાથે કશી લેવાદેવા નથી. ને જે કામની યાત્રા કરે છે તેમને અઘ્યાત્મ સાથે કશો સંબંધ નથી. મૂર્ખાઇભરી આ બંને વાતો છે.

માણસ કામની યાત્રા પણ રામ માટે જ કરે છે. કામનું આવું તીવ્ર આકર્ષણ રામની જ શોધ છે, એટલે જ કામથી કદી તૃપ્તિ મળતી નથી. કામમાં ‘બસ, હવે પત્યું’ એવો અનુભવ નથી થતો. રામ ન મળે ત્યાં સુધી એમ થાય પણ નહીં. કામના શત્રુ થઇને જે રામને શોધે છે એમની શોધ રામની શોધ નથી. રામના નામે એ માત્ર એક Escape છે, પલાયન છે. કામથી બચવું છે. કામથી પ્રાણ ગભરાય છે, ડર લાગે છે. માટે રામની ચાદર ઓઢીને એમાં સંતાઇ જઇએ છીએ ને પછી કામ યાદ ન આવે માટે રામરામ જપાય છે.

જયારે કોઇ રામ રામ જપતો માણસ મળે ત્યારે વિચાર કરજો. એની ભીતર, રામરામના જાપની પાછળ કામનો જાપ ચાલતો હશે. સ્ત્રીને જોશે અને માળા ફેરવવા માંડશે ને રામરામ બોલવા માંડશે. એ સ્ત્રી જોશે ને માળા જોરથી ફેરવશે. જોરજોરથી રામરામ લલકારશે. શા માટે?

અંદર જે કામ બેઠો છે તે હડસેલા મારે છે. રામનું નામ લઇને એ પલાયનવાદી એને ભૂલવાનો પ્રયત્ન કરે છે. આવી સસ્તી યુકિતથી જો જીવન બદલાતાં હોય તો દુનિયા કયારનીય બદલાઇ ગઇ હોત. એ એટલું બધું સહેલું નથી.

હું તમને એ કહેવા માગું છું કે જો તમે તમારા રામને, પરમાત્માની શોધને સમજવા ઇરછતા હો તો કામને સમજવો જરૂરી છે. શા માટે? એટલા માટે કે એક માણસને મુંબઇથી કલકત્તા મુસાફરી કરવી છે. કલકત્તા કયાં આવ્યું, કઇ દિશામાં આવ્યું એની એ તપાસ કરે, પરંતુ મુંબઇ કયાં છે, કઇ દિશામાં છે એ જ જો તે જાણતો ન હોય તો કલકત્તાની મુસાફરી કરવામાં એ સફળ થઇ શકે ખરો? કલકત્તા જતાં પહેલાં મુંબઇ કયાં છે એ જાણી લેવું જરૂરી છે.અર્થાત્ હું જયાં છું તે કઇ દિશામાં છે? કયાં છે એ જાણી લેવું જરૂરી છે. મને મુંબઇની જ કશી ખબર ન હોય તો કલકત્તા વિશેની માહિતી બધી વ્યર્થ છે. કારણ કે મારે મુસાફરી મુંબઇથી શરૂ કરવી છે, પ્રારંભ પહેલાં છે, અંત પછી.

તમે કયાં ઊભા છો? રામની યાત્રા કરવા ચાહો છો. ભલે! ભગવાન સુધી પહોંચવા ઇરછો છો. ભલે! પણ તમે ઊભા કયાં છો? ઊભા તો કામમાં છો, વાસનામાં છો. એ તમારું નિવાસસ્થાન છે. ત્યાંથી તમારે યાત્રા શરૂ કરવાની છે. તમારું પ્રથમ પગલું ત્યાંથી જ ઉપાડવાનું છે. તો જયાં આપણે છીએ તે સ્થળને પહેલાં જાણવું જરૂરી છે. પહેલાં યથાર્થને, વાસ્તવિકતાને જાણીએ છીએ, જેની સંભાવના છે તેને જાણીએ, આપણે જે થઇ શકીએ તે જાણવા પહેલાં આપણે જે છીએ તે જાણવું જરૂરી છે.

છેલ્લું પગલું જાણતાં પહેલાં પહેલું પગલું સમજી લેવું જરૂરી છે. કારણ કે પહેલું ડગલું જ છેલ્લા ડગલા સુધી પહોંચવાનો માર્ગ બનશે. પ્રથમ ડગલું જ જો ખોટું ઊપડશે તો છેલ્લું ડગલું ધાર્યું હશે તે નહીં હોય. રામને સમજવા કરતાંય કામને સમજવો એ વધારે મહત્ત્વનું છે. એ મહત્ત્વનું એટલા માટે છે કે કામને સમજયા વિના તમે પરમાત્મા સુધી પહોંચી નહીં શકો.-
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:

Post a Comment