Sunday, March 29, 2009

સાચું તીર્થ એ માતા-પિતાની સેવામાં.... !

તીર્થજાત્રા કરવામાં વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જઈ આવતો હોય છે પરંતુ જે સાચું તીર્થ છે એટલે કે ભગવાને આપણને દરેકને જે અમૂલ્ય એવાં માતા-પિતાનું સુખ આપેલું છે. તે કોઈ તીર્થધામથી ઓછું નથી. તેથી જ્યારે - જ્યારે પોતાનાં જ માતાપિતાની અવગણના-અવહેલના અને અપમાન થતાં જોવા મળતાં હોય છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાના મનથી વિચારી રાખવું જોઈએ કે આવતીકાલે પોતાના બાળકો આનાથી પણ વધારે ખરાબ વર્તન અને વ્યવહાર પોતાની સાથે આચરશે ત્યારે પોતાને કેટલું બધું દુઃખ લાગશે ?

સામાન્ય રીતે તીર્થ એટલે શું ? - ‘જે તારે તે તીર્થ.’ અને આ સંસાર ભવસાગરમાંથી જે દુઃખોથી ઘેરાયેલા છે તેમાંથી આપણને બહાર લાવે, ઉગારે તે તારનાર અને આવા તારનારાઓમાં માતા-પિતાનું યોગદાન કંઈ ઓછું હોતું નથી-! કોઈ પણ માતા-પિતાને જઈને પૂછો કે પોતાના સંતાનોને ઉછેરવામાં, મોટાં કરવામાં તેમને કેટલાં બધાં દુઃખો, તકલીફો અને મુશ્કેલીઓ સહન કરવા પડયાં હોય છે. ઘણાં માતા-પિતાની કરુણ કહાનીઓ સાંભળીને ભલભલા કઠણ હ્ય્દયની વ્યક્તિની આંખોમાંથી પણ આંસુ આવી જતા હોય છે. જે માતા-પિતાએ પોતાના જીવનમાં માત્રને માત્ર દુઃખો વેઠીને, સહન કરીને પોતાનાં સંતાનોને સૂખ જ આપવા માટે પ્રયત્ન કર્યો હોય છે અને આ જ બાળકો મોટાં થઈ ભણીગણીને પગભર થઈને જ્યારે લગ્નનાં બંધને બંધાઈ ગયા પછી કોઈ નાના-મોટા ઝઘડાઓ, તકરારો, મતભેદો અને મનભેદના કારણે પોતાના માતાપિતાને છોડી દઈને પોતાનો અલગ ઘરસંસાર બનાવે છે ત્યારે જરા વિચારો કે આ માતા-પિતાના હ્ય્દયની વેદના કેવી હશે? - શું આ દિવસોને જોવા માટે જ મા-બાપ પોતાનાં બાળકોને ઉછેર્યા - મોટાં કર્યા - ભણાવ્યા - ગણાવ્યા અને પરણાવ્યા ? - શું આવા સમયે દરેક સંતાનોની પોતાના માતા-પિતા પ્રત્યે કોઈ જ ફરજ બનતી નથી. તેમને પોતાનાં માતા-પિતાને છોડીને જવામાં મનથી સહેજ પણ દુઃખ - રંજ કે અફસોસની લાગણી થતી નથી. શું સંતાનોના હ્ય્દય પથ્થરના બની ગયા છે ? આજે માતા-પિતાને તમારા સાથ-સહકાર અને સહારાની જરૃર હોય છે જ્યારે તમારા પ્રેમભાવ - લાગણી - સહાનુભૂતિ - હૂંફ અને સથવારાની જરૃર છે ત્યારે ઘડપણના સમયે એમને સાવ નિરાધાર અને લાચાર બનાવીને આમ ઘર છોડીને જતા રહેવામાં શું તમારી સાચી શોભા છે ? શું તમારી ફરજો તમને યાદ કરાવવાની છે ? આવતી કાલે ભવિષ્યમાં તમારાં સંતાનો પણ આવો વ્યવહાર કે આનાથી પણ વધારે ખરાબ વ્યવહાર તમારી સાથે નહીં કરે તેની શી ખાતરી.... ?

માતા-પિતાને છોડી જનારા, પોતાના જ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જનારા જરા વિચારો,જરા અટકી જાવ. વિચારો તમે આ શું કરી રહ્યાં છો ? કહેવાય છે કે -

“ભૂલો - ભલે બીજું બધું પણ મા-બાપને ભૂલશો નહીં...

અગણિત છે ઉપકાર એમના, એ ભાવના ભૂલશો નહીં.... !”

માતા-પિતાની તોલે કાંઈ જ ના આવી શકે.. !

આજના ઝડપી અને મોબાઈલ - ઈન્ટરનેટના જમાનામાં બધું જ ઝડપી થઈ ગયું છે તેમ ઘેર-ઘેર માતા-પિતા તથા સંતાનો વચ્ચે જનરેશન ગેપ ખૂબ જ વધી ગયો છે. જેમાં ક્યાંક-ક્યાંક દરેક માતા-પિતાની પોતાનાં બાળકો પ્રત્યેની બહુ ઊંચી ઊંચી અપેક્ષાઓ જોવા મળતી હોય છે. જે અપેક્ષાઓ મુજબ ના થાય તેથી જનરેશન ગેપ વધતો ચાલે છે. તેવી જ રીતે સંતાનો પણ કંઈક અંશે સ્વતંત્ર બનવા માંગે છે. જેમને પોતાના માતા-પિતાની બિનજરૃરી દખલગીરી, સલાહ-સૂચન, માર્ગદર્શન કે કોઈ પણ જાતની રોક-ટોક અને બંધનો પસંદ પડતા નથી. જેના લીધે આપસમાં ઘર્ષણના બનાવો વધી જાય છે.

જો બંને પક્ષે થોડું ગણું લેટ-ગો-જતું કરવાનું રાખી ભૂલી જઈ ગમ ખાતા શીખી લેવાથી ઘણું સારું પરિણામ આવી શકે તેમ છે.

ટૂંકમાં ચારે ધામની તીર્થજાત્રા કરવાની સાથે માતા-પિતાની સેવા પણ એક તીર્થ જ છે તેમ સ્વીકારવું જ જોઈએ।

Courtesy: Shraddha Sandesh

No comments:

Post a Comment