Friday, March 13, 2009

"શાંતિ મંજિલ પર મળે છે"

અઘ્યાત્મની ભૂમિકાએ એક સંબંધ છે જેની આપણને કંઇ ખબર નથી. પતિ-પત્નીનો સંબંધ એ માટેની તૈયારી છે, અંત નથી. એ તો યાત્રાનો પ્રારંભ છે. એટલે પતિ-પત્ની હંમેશાં કષ્ટમાં રહે છે.

કારણ કે એ તો યાત્રા છે. યાત્રા કષ્ટમાં જ થાય છે. શાંતિ મંજિલ પર મળે છે. પતિ-પત્ની શાંત થઇ શકે નહીં. આ તો વચગાળાની યાત્રા છે. અધિકાંશ લોકો તો આ યાત્રામાં જ ખતમ થઇ જાય છે. લક્ષ્ય સુધી પહોંચી જ નથી શકતા. ચોવીસ કલાક એક કલહ ચાલે છે. જેને આપણે પ્રેમ કહીએ છીએ.

આ કલહનું કારણ શું છે એ ન તો પતિ જાણે છે ન તો પત્ની. પતિ માને છે બીજી સ્ત્રી હોત તો ઠીક થાત, પત્ની માને છે કે બીજો પુરુષ હોત તો બહુ સારું થાત. આ જોડી ખોટી રચાઇ ગઇ.

હું કહું છું કે દુનિયાભરનાં યુગલોનો આ જ અનુભવ છે. જો બદલવાની તક આપવામાં આવે તો ખભે નનામી લઇને સ્મશાન જવા જેવો જ અનુભવ થશે. એક ખભો દુખવા માંડે ત્યારે નનામી બીજે ખભે રાખીએ છીએ. થોડી વાર રાહતનો અનુભવ થાય. થોડી વાર પછી પાછો બોજો એટલો ને એટલો જ લાગવા માંડે છે.

પશ્ચિમમાં આટલા વિચ્છેદો અપાય છે. એમનો અનુભવ એ છે કે બીજી સ્ત્રી પાંચ-દસ દિવસમાં જ પહેલી સ્ત્રી જેવી જ લાગે છે, બીજો પુરુષ ૧૫ દિવસમાં જ પહેલા પુરુષ જેવો જ થઇને ઊભો રહે છે. એનાં કારણો ગંભીર છે. એ કારણને સ્ત્રી-પુરુષ સાથે કશો સંબંધ નથી.

પતિને પત્નીનો સંબંધ વચગાળાની યાત્રાનો સંબંધ છે, એ લક્ષ્ય નથી, એ અંત નથી. એ વાત સાથે આ કારણોને સંબંધ છે. અંત તો એ જ હોવાનો. સ્ત્રી મા બનશે, પુરુષ પુત્ર. હું તમને એ કહી રહ્યો છું કે, માતા ને પુત્રનો સંબંધ આઘ્યાત્મિક કામનો સંબંધ છે.

જે દિવસે સ્ત્રીપુરુષમાં -પતિપત્નીમાં આઘ્યાત્મિક કામનો સંબંધ જન્મશે તે દિવસથી માતા ને પુત્રનો સંબંધ પુન:સ્થાપિત થઇ જશે. એ સ્થપાય તો જેને મેં પરિતૃપ્તિ કહીને ઓળખાવી તે તૃપ્તિનો અનુભવ થશે. એ અનુભવમાંથી બ્રહ્મચર્ય પરિણમે છે.

માતાને પુત્રના સંબંધમાં કોઇ કામ નથી એવું ન માનશો. આઘ્યાત્મિક કામ છે. યોગ્ય રીતે કહીએ તો આઘ્યાત્મિક કામને જ પ્રેમ કહી શકાય. કામ આઘ્યાત્મિક બનતાં જ પ્રેમ થઇ રહે છે.

એક મિત્રે આ બાબતમાં એક વિશેષ વાત પૂછી છે. એમણે પૂછ્યું છે - સેકસની બાબતમાં અમે તમને પ્રામાણિક વ્યકિત authority માની શકતા નથી. અમે તમને ઈશ્વર સંબંધી પૂછવા આવ્યા હતા, કામ સંબંધી નહીં. અમે તો ઈશ્વર વિશે સાંભળવા આવ્યા હતા. અને તમે સેકસ વિશે કહેવા લાગ્યા. તમે એ વિશે કહો. એમને કદાચ ખબર નહીં હોય, પણ જે વ્યકિતને સેકસની બાબતમાં ઓથોરિટી માની ન શકાય તેને ઈશ્વર વિશે કંઇ પૂછવું નકામું છે. જે પગથિયું ય જાણતો ન હોય તેને તમારે છેલ્લા પગથિયા વિશે પૂછવું છે?

સેકસની બાબતમાં મેં જે કહ્યું તે જો સ્વીકાર્ય ન હોય તો ઈશ્વર વિશે તો મને ભૂલથી ય કશું પૂછવા ન આવતા. કારણ કે આ વાત જ પતી ગઇ. પહેલી કક્ષા માટેય જો હું લાયક સિદ્ધ ન થયો તો અંતિમ કક્ષા માટે તો થઇ શકું જ શી રીતે?

- ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:

Post a Comment