આગામી ૭મી ઓગસ્ટના રોજ અંકશાસ્ત્ર મુજબ એક અનોખો સંયોગ થઇ રહ્યો છે. આ દિવસે ૧થી૯ અંકોનો અનોખો સમન્વય થશે અને અંકશાસ્ત્ર અનુસાર આ દિવસ શનિકૃપા મેળવવા માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે.
આ દિવસે બપોરે ૧૨ વાગીને ૩૪ મિનિટ અને ૫૬ સેકન્ડે તથા આ દિવસની તારીખ, મહિના અને વર્ષને સાથે મેળવીએ તો ૧-૨-૩-૪-૫-૬-૦૭-૦૮-૦૯ - આ રીતે ૧થી ૯નો અનોખો સમન્વય થાય છે. જ્યારે અંકશાસ્ત્ર મુજબ આ ૭મી ઓગસ્ટના તારીખ, મહિના અને વર્ષનો સરવાળાનો ભાગ્યાંક ૮ થાય છે અને તે શનિનો અંક છે ત્યારે આ દિવસે શનિકૃપા મેળવવા શનિની પનોતીવાળા જાતકો માટે શનિકૃપા મેળવી રાહત અનુભવી શકાય છે.
આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને અંકશાસ્ત્રી ચેતનભાઇ પટેલે જણાવ્યું કેતા.૭મી ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ ભારત માટે મહત્ત્વનો દિવસ બની રહેશે. કેમકે ૭મી ઓગસ્ટ, ૨૦૦૯ના અંકોનો સરવાળો ૨૬ થાય છે તેનો પણ સરવાળો ૮ થાય છે. એટલે કે ભાગ્યાંક ૮ થાય છે. અંક-૮ શનિનો છે. ભારત પણ શનિપ્રધાન દેશ છે. કેમકે ૧૫, ઓગસ્ટ, ૧૯૪૭ના અંકોનો સરવાળો કરતાં તેનો પણ ભાગ્યાંક-૮ થાય છે અને યોગાનુયોગ પ્રજાસત્તાક દિનની તારીખ પણ ૨૬ છે એટલે કે મૂળાંક ૨૬ અર્થાત્ ૮ બને છે. આમ, દરેક રીતે ચકાસતા આ દિવસ અને આ વર્ષના અંતિમ તબક્કો ભારત માટે ખૂબ જ મહત્ત્વનો અને પ્રગતિદાયક બની રહેશે.
૭મી ઓગસ્ટનો દિવસ શનિકૃપા મેળવવા માટે ઉત્તમ છે, એમ કહી તેમણે જણાવ્યું કે જો શનિકૃપા થાય તો અટકાયેલાં કાર્યોપૂર્ણ થાય, શનિ પીડામાંથી મુકિત મળે છે. ઉપરાંત જેમને શનિની પનોતીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમકે વૃષભ અને મકર રાશિને શનિની નાની પનોતીનો તબક્કો પૂર્ણ થવા જઇ રહ્યો છે કર્ક, સિંહ અને કન્યા રાશિને મોટી પનોતીના તબક્કાઓ પૂરા થવામાં છે. તેમણે આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઇએ. જ્યારે હનુમાનજીની અથવા શનિદેવની પૂજા યથાશક્તિ કરવી જોઇએ. જેનાથી શનિની પનોતીના છેલ્લા સમયમાં કોઇપણ અશુભ બાબતથી બચી શકાય કે તેને નિવારી શકાય છે.
તેમણે કહ્યું કે જો જન્મકુંડળીની દ્રષ્ટિએ વિચારીએ તો સ્વતંત્ર ભારતનું વૃષભ લગ્ન હોવાથી તેનો પણ વૃષભ લગ્નનો યોગી ગ્રહ શનિ જ ગણાય. માટે અંકશાસ્ત્ર અને કુંડળીની દ્રષ્ટિએ પણ ભારત માટે આગામી સમય શુભ બની રહેશે. આ સિવાય જેનો મૂળાંક કે ભાગ્યાંક ૮, ૯, ૧ કે ૨ થતો હોય તેમને માટે પણ આ દિવસ અને આગામી સમય લાભદાયી ગણી શકાય. આ મૂળાંક કે ભાગ્યાંક લોકો આ દિવસે પોતાનાં કોઇપણ નિર્ધારિત કાર્યોની શરૂઆત કરે તો તેમને શુભ ફળદાયી નીવડી શકે.
તેમણે કહ્યું કે ૭મી ઓગસ્ટે બપોરે ૧૨।૩૪.૫૬ સેકન્ડ ઉપરાંત આ જ દિવસે ૧ વાગ્યે ૩૪ મિનિટ અને ૫૬ સેકન્ડે પણ ૦૭-૦૮-૨૦૦૯ ૧થી ૯ અંકોનો સરવાળો થાય છે. આમ બંને રીતે ૧થી ૯નો અનોખો સમન્વય થાય છે.
Courtesy: Divya Bhaskar